અમદાવાદઃ કચ્છ જિલ્લાના રણના કળણ વિસ્તારમાં આવેલી કોરી ક્રીકમાં ચોકીપહેરો ભરી રહેલા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના છ જવાનોની બોટ ગયા રવિવારે ઊંધી વળી ગઈ હતી, પરંતુ એમને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ જાણકારી બીએસએફ દ્વારા એક નિવેદનમાં આપવામાં આવી છે. આ ઘટના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલી કોરી ખાડીમાં બની હતી. ખરાબ હવામાનને કારણે દરિયો તોફાની બન્યો હતો અને એને કારણે જવાનોની બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી.
બનાવની ખબર મળતાં તરત જ 8-જવાનની એક અન્ય બીએસએફ પેટ્રોલિંગ ટૂકડી સ્પીડ બોટ્સમાં ત્યાં પહોંચી ગઈ હતી અને પાણીમાં ડૂબી રહેલા તમામ છ જવાનોને ઉગારી લીધા હતા. એ છ જવાનને બાદમાં લક્કી નાલા ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર માટે આર્મી પેરામેડિકલ સ્ટાફને સોંપી દેવામાં આવ્યા હતા. બીએસએફના ગુજરાત સરહદના ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ. મલિકે બીએસએફ જવાનોની આ કામગીરીની પ્રશંસા કરી છે. એમણે પેટ્રોલિંગ ટૂકડીના કમાન્ડર ઈન્સ્પેક્ટર સંદીપ માટે રૂ. 2000 તથા રેસ્ક્યૂ ટીમના અન્ય સાત જવાનને દરેકને રૂ. 1000ના રોકડ ઈનામની જાહેરાત કરી છે.