અમદાવાદ- કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકાઓ સતત ચાલુ છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેમાં સવારે 6.21 કલાકે 3.2ની તીવ્રતા સાથે ભચાઉવાસીઓને ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ધરા ધ્રુજવાને કારણે લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયાં હતાં. અને ઘરની બહાર દોડો આવ્યા હતાં.
આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી નોર્થ ઇસ્ટ પાસે હોવાનું સામે આવ્યું છે. બીજો આંચકો રાપરમાં ગત રાત્રે 2.55 કલાકે અનુભવાયો હતો, જે 3.3ની તીવ્રતાનો હતો. આ સાથે અન્ય નાના મોટા 3 આંચકા પણ અનુભવાયા હતાં. ઉલ્લેખનીય છે કે, ભૂકંપના આંચકા વહેલી સવારે અનુભવાયા હતાં. હાલ ઠંડી હોવાથી લોકો ગાઢ ઊંઘમાં હતાં, આંચકા અનુભવાતા જ લોકો રજાઈ છોડીને ઘર બહાર દોડી ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા છે, તેમાં અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો..
આપને જણાવીએ કે હજુ ગત સપ્તાહમાં સૂરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયાં હતાં. 15 ડીસેમ્બરે રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં જે રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. આ આંચકાનું એપી સેન્ટર સૂરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.
સૂરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. તળાજા વિસ્તારના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 થી 5 સેકન્ડ સુધી ધરતી કંપતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે તે ભૂસ્તરીય હિલચાલનું પ્રમાણ વૈશ્વિકસ્તરે વધી રહ્યું હોવાના સીસ્મોલોજિકલ સંસ્થાઓના અહેવાલો સમયાંતરે બહાર આવી રહ્યાં છે.