અમદાવાદ– નવી પેઢીની ગરબા ગાયિકાઓમાં ટૂંકસમયમાં ઊભરી આવેલી લોકગાયિકા કિંજલ દવે નવરાત્રિની ધૂમ મચાવવા આ વર્ષે મોજ 2018 નામની ઇવેન્ટ લઇને આવી રહી છે. આ વર્ષે કિંજલ નવા ગરબાની રમઝટ બોલાવશે. શહેરના શીલજ ક્રોસ રોડ અને સાયન્સ સિટી વચ્ચે આવેલા ગરબા ગ્રાઉન્ડ્સ પૈકીના એક મોજ ગરબા ગ્રાઉન્ડ ખાતે 10થી 18 ઓક્ટોબર દરમિયાન કિંજલ ખેલૈયાઓને મોજ કરાવશે. chitralekha.com સાથેની વિશેષ વાતચીતમાં કિંજલે ઇવેન્ટની ખાસિયત જણાવી હતી.
હેરિટેજ થીમ પર ગરબા
નવરાત્રિમાં જોશીલા યુવાઓને ગરબાના તાલે ઝૂમીને કલાકો સુધી હેરિટેજ ગરબા ખેલવાનો આનંદ ઉઠાવી શકશે. હેરિટેજ થીમ ઉપર આયોજિત ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ અને નોન-ટ્રેડિશનલ એમ બે જૂથમાં ગરબા રમી શકશે.
અહીં કિંજલ દવેની સાથે-સાથે રીધમ ટાઇગર ઢોલી, પ્રવીણ સોલંકી, જલ્પા દવે, લલીત દવે અને બિપીન ઠાકોર સહિતના કલાકારો પણ ખેલૈયાઓને જોશ અપાવશે. કુળદેવી ઓર્કેસ્ટ્રા સાથે મનુભાઇ રબારીએ લખેલા નવા ગરબાને પણ કિંજલ દવે કંઠ આપશે.
ફૂડ કોર્ટ, રાઈડ્સ, સ્ટોલ્સ, પાર્કિંગ સુવિધા
મોજ ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે 15,000થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે તેમ જ મેદાનમાં જ બ્રાન્ડેડ ફૂડ કોર્ટમાં પરિવાર-મિત્રો સાથે બેસીને જમવાની, બાળકો માટે એન્ટરટેઇનમેન્ટ ઝોનમાં વિવિધ રાઇડ્સ અને ગેમ્સની વ્યવસ્થા, ફોક આર્ટ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોલ સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતી આપતાં છેલ્લાં 35 વર્ષથી કાર્યરત જેઆઇડી ગ્રુપે મોજ 2018નું સમગ્ર આયોજન કર્યું છે. ગરબાની ટિકીટ્સ બૂક માય શો ઉપરથી પણ ખરીદી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.