રુપાણીએ યુપી, બિહારના સીએમ સાથે વાત કરી સુરક્ષાની ખાતરી આપી

ગાંધીનગર– એક બાળકી પર પરપ્રાંતીય કામદાર યુવક દ્વારા દુષ્કર્મની ઘટના બાદ કેટલાક સ્થળો પર પરપ્રાંતીઓ પર હુમલાના બનાવોથી ભારે હોબાળો મચ્યો છે અને સરકાર પણ દબાણ બન્યું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શાંતિની અપીલ કરતાં જણાવ્યું હતું કે જે કોઇ કાયદો હાથમાં લેશે તો તેમની સામે કડકમાં
કડક કાર્યવાહી કરવામાં આવશે.
સાથે તેમણે ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી યુપીબિહારના ગુજરાતમાં વસતાં લોકોની શાંતિ અને સુરક્ષાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન શાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને હુમલાની એક પણ ઘટના ઘટી નથી.

સીએમે માહિતી આપી કે નાની બાળાઓ ઉપર અમાનવીય જાતીય હુમલાના આરોપીને ગુજરાત પોલીસે ગિરફતાર કરી લીધા છે. આ આરોપીઓને સામે ઝડપી કાર્યવાહી થાય, તેને સજા મળે, એવા હેતુથી બે માસમાં આ કેસમાં ન્યાયિક નિર્ણય આવે એ માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યું કે હાલમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઇ પણ નાગરિક કાયદો હાથમાં ન લે તેવી વિનંતી છે પણ, જો કોઇ પણ નાગરિક કાયદો હાથમાં લેશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યપ્રધાનો સાથે વાત થઇ છે અને સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. ગુજરાત વતી મે તેમને શાંતિ તથા સુરક્ષાની ખાતરી આપી છે.