અમદાવાદઃ ગુજરાતના ખ્યાતનામ કલાકારો પૈકી એક અને ગુજરાતના સિંગરોમાં ટોચના સ્થાને જેનું નામ છે તેવાં કિંજલ દવેની સગાઈ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ગુજરાત સહિત વિશ્વભરમાં પોતાના કંઠના કામણના કારણે જાણીતી છે. લોકડાયરો, સંગીત સંધ્યા, ગરબા, સંતવાણી સહિતના વિવિધ પ્રોગ્રામોમાં કિંજલ દવેએ પોતાના અવાજથી દર્શકોના દિલ જીતી લીધા છે. કિંજલ દવેની સગાઈ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા પવન જોશી સાથે થઈ છે. પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે.
માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવે અત્યારે કોલેજનો અભ્યાસ કરી રહી છે. અખાત્રીજના શુભ દિવસે આજે કિંજલ અને પવનની પરંપરાગત રીવાજ અને પદ્ધતિ અનુસાર સગાઈ કરવામાં આવી છે. કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી લે છે.