સીએમ રુપાણીએ આપી દીધી સખત ચીમકીઃ નહીં ચાલે મેલાફાઇડ ઇરાદો

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના આકરાં તેવરનો રાજ્યના અધિકારીઓને પરિચય થઇ ગયો હતો.  સીએમ રુપાણી સાથે રાજ્યના જિલ્લા ક્લેક્ટર્સ અને વિકાસ અધિકારીઓની બેઠક આયોજિત થઇ હતી, જેમાં સીએમ રુપાણી ભ્રષ્ટાચારના મુદ્દે અધિકારીઓ પર લાલ આંખ કરી બેઠાં હતાં.બેઠક દરમિયાન ભ્રષ્ટાચારનો મામલો આવતાં ડીડીઓને ચીમકી આપતાં રુપાણીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે અધિકારીઓનો બોનાફાઇડ ઇન્ટેન્શન હશે તો સરકાર તેમની પડખે છે પરંતુ મેલાફાઇડ ઇન્ટેન્શન કોઇપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય.

સીએમ રુપાણીએ અધિકારીઓને પ્રજાહિતના કાર્યોને દાયિત્વની દ્રષ્ટિએ નીભાવવા જણાવવા સાથે તાકીદ કરી હતી કે અધિકારીઓએ જિલ્લામાં ઓછા ઓછા બે દિવસ સાઇટ વિઝીટ કરી વાસ્તવિક સ્થિતિથી અવગત રહેવું આવશ્યક છે. કોઇપણ નાનો માણસ દુઃખી ન થાય કે તેમને પોતાના કામ માટે એક પાઇ પણ ન આપવી પડે તેવો સ્વચ્છ વહીવટ કરી સરકારની પ્રતિષ્ઠા બનાવવા જણાવ્યું હતું. જિલ્લા ક્લેક્ટર્સ વહીવટી વડા તરીકે પ્રોએક્ટિવ ભૂમિકા ભજવી સમસ્યાઓ નિવારવામાં મદદરુપ બને, સામાજિક સમરસતા જાળવવા જિલ્લાના વડા તરીકે આગેવાની લે તેમ પણ જણાવ્યું હતું.

જમીન વિકાસ નિગમમાં અધિકારીઓના મોટાપાયે બહાર આવેલા ભ્રષ્ટાચારના મામલે અને પાણીના મુદ્દે સરકાર હાલ ઘેરાયેલી છે ત્યારે સીએમ રુપાણીનો આકરો મિજાજ અને આગામી સમયમાં ભ્રષ્ટાચાર મુદ્દે સીધો જંગ કરવાની તેમની વાતે અધિકારીઓને બેઠક દરમિયાન નિઃશબ્દ કરી દીધાં હતાં.

સીએમઓમાં કાર્યરત સી.એમ ડેશ બોર્ડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ વિશે રુપાણીએ કહ્યું કે સરકારના વિભાગો અને જિલ્લા તાલુકાસ્તરની વિવિધ યોજનાકીય પ્રગતિની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે, અને સીએમ કક્ષાએ સતત મોનિટરીંગ અને મૂલ્યાંકન થાય છે. તેથી જે અધિકારીઓની કામગીરી નબળી છે તેમને કામગીરીને સુધારવા સીધી સૂચના આપવામાં આવે છે.