અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ તપાસ સંદર્ભે JCP શરદ સિંઘલએ નિવેદન આપતા જણાવ્યું કે, તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં 3 અલગ અલગ PIની આ કેસમાં નિમણુક કરવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. FIRમાં 5 નામ છે પણ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તપાસ કરાશે. ઘટનામાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. એક આરોપી ઓસ્ટ્રેલિયા છે તેની માહિતી મળી છે, અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરૂ કરાઈ છે. ક્રાઇમબ્રાંચની ટીમ આજે આરોગ્ય વિભાગ અને આ કેસના તપાસ અધિકારી સાથે મીટીંગ કરશે. કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અંગે માહિતી મેળવાશે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ પોલીસ કમિશનર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કેસને લઇ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યુ હતુ કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં હાલ ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આરોપી ગુજરાતમાંથી ભાગી ગયા હોવાની આશંકા તેઓને લાગી રહી છે. જેને લઇ હાલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કામગીરીને વધારે કડક બનાવી દેવાઇ છે. ઘટનામાં ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી હતી. જેમાં ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જોકે હાલ ડો. પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં 166 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો નવેમ્બર મહિનામાં 55 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઈલ મોકલાવામાં આવી હતી.