કંડલામાં કેરોસિનની દાણચોરી, 139 કન્ટેઇનર જપ્ત

કંડલાઃ ડીઆરઆઈએ ઈન્ડસ્ટ્રીયલ કોમ્પોઝિટ મિક્સર પ્લસ – લો એરોમેટિક વ્હાઈટ સ્પિરિટના ઓઠા હેઠળ ડીઝલ અને કેરોસીનની ગેરકાયદે આયાત અને દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઈએ, કંડલા બંદરે મિસડીક્લેર કરીને આયાત કરવામાં આવેલા રૂ. 11 કરોડ, 48 લાખનો 139 કન્ટેનર ભરેલ 2,442.88 મેટ્રિક ટન એસકેઓ (કેરોસીન) જથ્થો ઝડપી પાડ્યો છે.

કેરોસીનનો જથ્થો ભરેલ 139 કન્ટેનર ડિટેઈન કરાયા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ શખસની ધરપકડ કરાઈ છે અને તેમને તા. 17 ઓક્ટોબર, 2018 સુધીના જ્યુડિશિયલ કસ્ટડીના રિમાન્ડ અપાયા છે. આ કૌભાંડમાં કસ્ટમ્સ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે અને તેમના પર બાજ નજર રાખવામાં આવી રહી છે.