ધરમપુર – ‘ચિત્રલેખા’ સાથે સંકળાયેલાં ગુજરાતનાં ખ્યાતનામ સાહિત્યકાર અને લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ધરમપુરમાં હજારોની સંખ્યામાં ચાહકો ધરાવે છે. ધરમપુર નગર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી ખાતે આજે કાજલ ઓઝા વૈદ્યના તમામ પુસ્તકોનો એક અલાયદો ‘કાજલ ઓઝા કોર્નર’ શરૂ કરવામાં આવતા ધરમપુર નગર સહિત ગુજરાતભરના તમામ સાહિત્યપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આશરે પોણા બે સદી જૂની શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી ખાતે આવનારા વાચકોમાં મોટેભાગનાં વાચકો કાજલ ઓઝા વૈદ્યના પુસ્તકો વાંચવા અને લેવા આવે છે. જેની જાણ અગાઉ બે વખત અત્રે ધરમપુર પધારેલા કાજલ ઓઝા વૈદ્યને થતાં એમણે લાઈબ્રેરીને સમૃદ્ધ કરવાના ભાગરૂપે પોતાનાં તમામ પુસ્તકોનો સેટ ધરમપુરની આ લાઈબ્રેરીને મોકલી આપ્યો હતો.
પુસ્તકો મળતાં જ પાલિકા લાઈબ્રેરિયન નિમેશભાઈ ભટ્ટ, પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી અને સાહિત્ય પ્રભાત ગ્રુપના કેટલાક સભ્યોએ ભેગા મળી લાઈબ્રેરી ખાતે એક અલાયદા ખૂણામાં ‘કાજલ કોર્નર’ બનાવવાનું નક્કી કર્યું હતું.
ગુરુવારે સાંજે પોતાના નિયત કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્ય વલસાડ આવનારા હોઈ એમની ઉપસ્થિતિમાં આજે પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકીના વરદ હસ્તે આ ‘કાજલ કોર્નર’ને વાચકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાજલ ઓઝા વૈદ્ય પણ ગુજરાતમાં પ્રથમ તેમનાં કોર્નરના આરંભને નિહાળી ભાવવિભોર થઈ ગયાં હતાં અને, ‘વાચકો આટલો પણ પ્રેમ આપી શકે?’ જેવા ઉદ્દગારો સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિરલ ઘડીના પાલિકા અને સાહિત્ય પ્રભાતના તમામ સભ્યો સાક્ષી બન્યા હતા.