મુંબઈ, 9 ઓગષ્ટ: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ ટોચના 1,000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું છે અને દેશમાં જ વિકસાવવામાં આવેલા 5G ટેલીકોમ સાધનોની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) જણાવ્યું હતું કે જિયોએ તેની 100 ટકા સ્વદેશી ટેક્નોલોજી સાથે 5G લોન્ચ કરવા માટે તૈયાર થવામાં વર્ષ 2021-22 દરમિયાન વિશાળ સ્તરનાં પગલાં લીધાં હતાં. તાજેતરમાં પૂર્ણ થયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. પહેલી ઓગસ્ટ (સોમવારે)ના રોજ પૂર્ણ થયેલી ટેલીકોમ સ્પેક્ટ્રમની ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બીડ મળી હતી, જેમાં વેચાયેલી તમામ એરવેવ્સમાંથી મુકેશ અંબાણીની જિયોએ લગભગ અડધી એરવેવ્ઝ મેળવી હતી.
7 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “જિયોનું 5G કવરેજ આયોજન ટોચના 1,000 શહેરોમાં લક્ષ્યાંકિત ગ્રાહક વપરાશ અને આવકની સંભવિતતાના આધારે પૂર્ણ કરવામાં આવ્યું છે.” રિલાયન્સ જિયો ટોચની બીડર હતી અને તેણે 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી, લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરવા સક્ષમ પાંચ બેન્ડમાં 24,740 MHz એરવેવ્સ માટે રૂ. 88,078 કરોડની કુલ બોલી લગાવી હતી અને આ એરવેવ્ઝ થકી જિયો અબજો કનેક્ટેડ ઉપકરણોને રિયલ ટાઇમ ડેટા શેર કરવા સક્ષમ કરી શકે છે. જિયોએ બહુચર્ચિત 700 MHz સ્પેક્ટ્રમ પણ હસ્તગત કર્યું છે, જે એક ટાવર સાથે 6-10 કિલોમીટરની સિગ્નલ રેન્જ પૂરી પાડી શકે છે અને દેશના તમામ 22 સર્કલ અથવા ઝોનમાં પાંચમી પેઢીની (5G) સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત આધાર તૈયાર કરી લીધો છે.
જિયોએ 6Gમાં સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશનને વેગ આપવા માટે – વિશ્વના પ્રથમ મોટા 6G સંશોધન કાર્યક્રમના અગ્રણી એવી ફિનલેન્ડની ઓલુ યુનિવર્સિટી સાથે પણ હાથ મિલાવ્યા છે. કંપનીએ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, લો-લેટન્સી ક્લાઉડ ગેમિંગ, નેટવર્ક સ્લાઇસિંગ અને વીડિયો ડિલિવરી, ટીવી સ્ટ્રીમિંગ, કનેક્ટેડ હોસ્પિટલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સ માટે મલ્ટી-ટેનન્સીથી લઈને 5G ઉપયોગના આયામોના સક્રિય ટ્રાયલ હાથ ધર્યા છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, 5G ટેક્નોલોજી 4G કરતા 10 ગણી વધુ સારી ડાઉનલોડ સ્પીડ અને ત્રણ ગણી વધારે સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.