રાજકોટઃ ગુજરાતમાં જસદણ બેઠકની એકમાત્ર પેટાચૂંટણી જે રીતે રસપ્રદ બની રહી હતી તેમ જ પરિણામની ઘડીઓ પણ બની રહી હતી.. મતગણતરીના 19 રાઉન્ડ દરમિયાન પ્રથમ રાઉન્ડથી આગળ ચાલી રહેલાં કુંવરજી બાવળીયા 18માં રાઉન્ડના અંતે 19,979 મતની લીડ સાથે જીતી ગયાં હતાં. જસદણની મોડેલ સ્કૂલમાં બનાવાયેલાં સ્ટ્રોંગરુમમાં સુરક્ષિત ઈવીએમનો પટારો સવારે આઠ વાગે ખુલ્યો એ સાથે ભાજપ-કોંગ્રેસના તેમ જ ચૂંટણી લડનારાં તમામ ઉમેદવાર અને તેમના સમર્થકોની ઠંડી ઊડી જવા સાથે જીતી જવાનો વિશ્વાસ અને ઉત્સાહ જણાઈ રહ્યો હતો.
જસદણ પેટાચૂંટણીમાં 20 ડીસેમ્બરે યોજાયેલ મતદાનમાં 71.23 ટકા મતદાન થયું હતું. રાજ્યભરના લોકો માટે આ પરિણામ ઉત્સુકતા જગાડનાર બન્યું હતું. કુલ 19 રાઉન્ડમાં 165325 મતોની ગણતરી કરવામાં આવી હતી. કુલ 14 જેટલા ટેબલ પર ગણતરી કરવામાં આવી હતી. આ પરિણામમાં સવારના સાડાઅગિયાર વાગતાં પહેલાં આવી ગયું હતું.જીતના ખબર પાકાં થતાં સીએમ રુપાણી અને નાયબ સીએમ નિતીન પટેલ ગાંધીનગર કમલમમાં પહોંચી ગયાં હતાં અને કાર્યકરોના ફટાકડાં ફોડવા સાથે, મીઠાઈ વહેંચવાની ખુશીમાં શામેલ થયાં હતાં.
સીએમ રુપાણીએ જસદણ જેવી કોગ્રેસનો ગઢ બની રહેલી બેઠકનો કાંગરો સર કર્યો તેની ખુશી વહેંચતાં આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું કે ‘જસદણમાં પરિણામ આવી ગયું છે 19,985 મતથી ભવ્ય વિજય ભાજપને પ્રાપ્ત થયો છે. ત્રણ રાજ્યોના પરિણામ પછી કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં અનેક જૂઠો પ્રચાર જસદણમાં કરતી હતી. સામદામદંડભેદ અને મોટી સંખ્યામાં લોકો પ્રચારમાં ઊતારી ચૂંટણી જીતવાના કારસા કર્યાં પણ જનતાએ પરિવપક્વતા દાખવી મોટી લીડથી કુંવરજીને જીતાડ્યાં છે
કુંવરજીભાઈ ગઈ વખતે 9000 મતથી જીત્યાં હતાં અને આ વખતે 20હજારની લીડ મળી છે. તે આ જીત કમળની જીત છે કારણ કે લોકોને ભાજપના કમળ પર નિશાન કર્યું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા બેઠકની ચૂંટણીમાં બધી બેઠક જીતવાનો સંકેત આ જીતે આપ્યો છે.
કોંગ્રેસે ખેડૂતોના નામે ઘણાં નાટક કર્યાં, છેલ્લે છેલ્લે તો ડુંગળીના હાર પહેરી ગયાં, પણ લોકોએ ભાજપને મત આપ્યાં છે કુંવરજી મોટી લીડથી જીત્યાં છે એ બતાવે છે કે તમામ વર્ગ, ખેડૂતોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેદ્ર-ગુજરાતની સરકારની કામગીરી સ્વીકારી છે.
લોકો કોંગ્રેસને ઓળખી ગયાં છે. ગુજરાતમાં ભાજપનો ગઢ વધુ મજબૂત બન્યો છે.હવે અમે 100 સભ્યો થયાં છીએ. એટલે ત્રણ આંકડામાં અમે પહોંચી ગયાં છે. કોંગ્રેસના નેતાઓએ ઘણો વાણીવિલાસ કર્યો હતો તો તેનો જનતાએ જવાબ આપી દીધો છે. કોંગ્રેસનું સ્થાન જનતાએ નક્કી કરી દીધું છે. લોકસભામાં 26 બેઠક ભાજપ જનતાના પ્રેમ વિશ્વાસ અને સહકારથી જીતી જશે એવો વિશ્વાસ છે.’
તો, જસદણમાં વિજયોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બાવળીયાને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે આ વિજય કાર્યકર્તાઓનો અને જનતા-જનાર્દનનો સુશાસન પરનો અડીખમ વિશ્વાસ છે. વિજેતા જાહેર થતાં જ કુંવરજી બાવળીયાએ પણ આ મારી નહીં પણ જસદણની જનતાની જીત છે તેવુ નિવેદન આપ્યુ હતું.
ભાજપ મુખ્યાલય કમલમ ખાતે ઉત્સાહનો માહોલ