સુરતમાં 2017ના શ્રાવિકા દુષ્કર્મ કેસમાં જૈનમુનિ દોષિત, કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે

સુરતની કોર્ટે 2017માં થયેલા શ્રાવિકા યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈનમુનિ શાંતિસાગરને દોષિત ઠેરવ્યા છે. આ કેસની સજાની જાહેરાત આવતીકાલે થવાની સંભાવના છે. આ ઘટના 2017માં સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ટીમલીયાવાડના મહાવીર દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં બની હતી. વડોદરાની એક શ્રાવિકા યુવતીને તેના પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવવામાં આવી હતી, જ્યાં આરોપી જૈનમુનિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના 2017ની 1 ઓક્ટોબરની છે, જ્યારે વડોદરાની 19 વર્ષની યુવતી તેના પરિવાર સાથે સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિ માટે આવી હતી. આરોપી જૈનમુનિ શાંતિસાગરે ધાર્મિક વિધિના બહાને યુવતીને એક ખાનગી રૂમમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીએ આ ઘટના અંગે 13 ઓક્ટોબર, 2017ના રોજ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે IPCની કલમ 376(1) અને 376(2)(f) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન આરોપીની જામીન અરજીઓ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં નામંજૂર થઈ હતી, જે બાદ ટ્રાયલ શરૂ થઈ અને હવે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે.