અમદાવાદઃ આવતીકાલે, સોમવારે અષાઢી બીજ નિમિત્તે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી નીકળનારી વાર્ષિક રથયાત્રા પૂર્વે તૈયારીઓ આજે પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના પ્રાંગણમાં અને શહેરના માર્ગો પર જ્યાંથી ભગવાન જગન્નાથનો રથ પસાર થશે એ તમામ માર્ગો પર સફાઇથી માંડીને સુરક્ષાની તૈયારીઓ થઇ રહી છે.
કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે રથયાત્રાને શહેરના માર્ગો પર ફરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ વર્ષે કોરોનાનો બીજો દોર પણ મુશ્કેલીભર્યો રહ્યો. તે છતાં ફક્ત રથ અને અમુક વાહનો સાથે શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીના રથની યાત્રા નીકળશે.
ગણતરીના કલાકોમાં જ પૂરી કરવાની મંજૂરી સાથે યાત્રા દરમિયાન સવારે છ થી બપોરે બે વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.
જગન્નાથજીની રથયાત્રામાં શણગારેલા હાથી આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ કોરોનાને કારણે નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવાથી મર્યાદિત સંખ્યામાં જ વાહનો સાથે નીકળનારી આ વખતની રથયાત્રામાં અખાડા, શણગારેલી ટ્રકો, હાથી જોવા નહીં મળે.
આવતીકાલે કર્ફ્યુ લાગુ થવાને કારણે રથયાત્રા પૂર્વેના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સમગ્ર પ્રાંગણ અને આખાય માર્ગ પર સુરક્ષા કર્મચારીઓ હાજર રહેશે. પ્રજાને ઘરમાં જ રહેવાની તંત્ર દ્વારા વાહનો દ્વારા સતત સૂચના અપાઇ રહી છે. કરફ્યુનો અમલ કરી ઘરમાં જ રહી રથયાત્રા નિહાળવા અપીલ કરાઇ રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)