વલસાડના મોટા બિલ્ડરો-વકીલ પર ITના દરોડા

વલસાડ: દેવ ગ્રુપ પરના આઈટી દરોડા બાદ હવે વલસાજ અને વાપીમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેક્ટ્સના ઘર અને ઓફિસમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી તપાસ ટીમના વડા આર.પી. મીણાના નેતૃત્વમાં 16 ટીમો દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ હેઠળના લોકોમાં વલસાડના જાણીતા બિલ્ડર બિપિન પટેલ, દીપેશ અને હિતેશ ભાનુસાલી તથા તેમના ભાગીદાર જગદીશ સેઠિયા, ધરમપુર ચોકડીના બિલ્ડર રાકેશ જૈન, પ્રખ્યાત વકીલ વિપુલ કાપડિયા, જમીન વિકાસકર્તા દીપસિંહ સોલંકી અને વાપીના આર્કિટેક્ટ મનીષ શાહનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગની ટીમોએ આ તમામ વ્યક્તિઓના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ શરૂ કરી છે. ટીમો દ્વારા તેમના વ્યવસાયિક રેકોર્ડ, ખાતાના ચોપડા અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લાંબા સમય બાદ વલસાડમાં આવકવેરા વિભાગ દ્વારા આટલી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે જિલ્લાના ઉચ્ચ વર્ગ અને વેપારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કરચોરી અને કાળા નાણાંની શોધ માટે હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે.