હાર્દિક પટેલે ખોડલધામવાળા નરેશભાઈ સાથે કરી બેઠક, વાંચો બેઠકમાં શુ થયું?

અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઘેરવા માટે વિપક્ષ પૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. ત્યારે આ શ્રૃંખલામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ભાજપ માટે મુશ્કેલી બની રહ્યો છે. હાર્દિક સતત ભાજપને ઘેરવા માટે રણનીતિ પર કામ કરી રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલે આજે ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સાથે આજે ગુરુવારે સવારે મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ હાર્દિકે જણાવ્યું હતું કે આ મુલાકાત એક શુભેચ્છા મુલાકાત હતી. નરેશભાઈએ મને જણાવ્યું કે તમે જે લડાઈ લડી રહ્યા છો તેને ઈમાનદારીથી લડજો. અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. નરેશભાઈ અમારી સાથે જ છે. નરેશ પટેલ લેઉઆ પટેલ નેતા છે અને તેઓ પાટીદાર સમાજમાં સારૂ વર્ચસ્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મતદાઓમાં આશરે 60 ટકા જેટલા લેઉઆ પટેલ અને 40 ટકા જેટલા કડવા પટેલોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના રણમેદાનમાં કોંગ્રેસ સાથે ઔપચારીકરૂપે આવવાની ઘોષણા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે બુધવારના રોજ ભાજપ વિરૂદ્ધ પોતાની લડાઈનું બ્યૂંગલ ફૂંક્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન પહેલા રાજકોટમાં હાર્દિક પટેલે પહેલી ચૂંટણીલક્ષી સભા કરી હતી.