અમદાવાદ: ગત શનિવારે સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ સરકારે આ વર્ષે 40 ટકાને બદલે 20 ટકા વધારો કરતા અને દર ત્રણ વર્ષને બદલે પાંત વર્ષે સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની જોગવાઈ કરતા જુનિયર ડોક્ટરો-રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યો છે અને આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.
સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના એમબીબીએસના ઈન્ટર્ન સ્ટુડન્ટ તેમજ પીજી મેડિકલના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરોને અપાતા સ્ટાઈપેન્ડમાં એપ્રિલથી વધારો પેન્ડિંગ હતો જેથી વધારાની માંગણી સાથે થોડા સમય પહેલા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરાયા હતો અને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. પરંતુ થોડા દિવસનો સમય માંગીને સ્ટાઈપેન્ડ વધારાની ખાત્રી આપી હતી. જેથી અગાઉ જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી ન હતી. જે બાદ શનિવાર 31 ઓગસ્ટના રોજ સરકારે સ્ટાઈપેન્ડ વધારાના ઠરાવને મંજુરી આપી હતી. આ નિર્ણય પ્રમાણે સરકારે સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. જેથી ફરી એક વખત વિરોધ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનની ફરિયાદ છે કે અગાઉ સરકાર સાથે-અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં 40 ટકા વધારા માટે ખાત્રી અપાઈ હતી. પરંતુ સ્ટાઈપેન્ડ સરકારે 20 ટકા જ વધારો કર્યો છે. ઉપરાંત સરકારના ઠરાવ મુજબ દર 3 વર્ષે સ્ટાઈપેન્ડ વધારો થાય છે પરંતુ સરકારે હવે પાંચ વર્ષ સુધી કોઈ વધારો ન કરવાની જોગવાઈ કરી દીધી છે, જે ગેરવ્યાજબી છે. આમ વિરોધ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોએ આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.
આ હડતાળમાં 4 હજારથી વઘુ ઈન્ટર્ન્સ અને 3 હજારથી વઘુ રેસિડેન્ટ ડોક્ટરો જોડાશે. જો કે બીજી બાજુ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હોસ્પિટલ સત્તાવાળાનું કહેવું છે. મેડિકલના જુનિયર ડોક્ટરોની હડતાળને ડેન્ટલના જુનિયર ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેથી આજે બી.જે.મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિવિલ કેમ્પસમાં જ આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ હડતાળમાં જોડાશે