ભરૂચ: ગુજરાતને ફરી એક વખત શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. દિકરીઓની સુરક્ષા પર અવાર નવાર પ્રશ્નો ઊભા થતા હોય છે. ફરી એક વખત મહિલા સુરક્ષા પર વિચાર કરવા પર મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડ્યા હોવાની માહિતી મળી છે. પિડિતા બાળકીને અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે બાળકીને વડોદરા ખસેડવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર ઝઘડિયા GIDCમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી હતી. બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડો. કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.