અમદાવાદઃ અત્યંત ખતરનાક એવું ‘બિપરજોય’ દરિયાઈ વાવાઝોડું અરબી સમુદ્રમાં 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સમુદ્રકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દ્વારકાથી 300 કિ.મી. અને કચ્છના જખૌથી 280 કિ.મી. દૂર છે. વાવાઝોડું ત્રાટકે તો ઝડપથી બચાવ કામગીરી હાથ ધરવા અને લોકોને રાહત સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સેના સજ્જ છે.
નલિયા, દ્વારકા, ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા, ગાંધીનગર અને અમરેલી ખાતે ભારતીય લશ્કરના જવાનોની ફૂડ રિલીફ ટૂકડીઓને તૈનાત કરવામાં આવી છે અને કામગીરીઓનું સતત રીહર્સલ કરવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાનો સાથે મળીને સામનો કરવા માટે ભારતીય સેના, સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફના સત્તાવાળાઓએ યોજના ઘડી છે અને તે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..