અમદાવાદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો

અમદાવાદ: ગુજરાતભરમાં ભારે વરસાદ બાદ રોગચાળાએ માથુ ઉચક્યું છે. રાજ્યમાં પાણી જન્ય અને મચ્છર જન્ય રોગાચાળો વકર્યો છે. અમદાવાદ શહેરમાં પણ રોગચાળાની સ્થિતિ યથાવત્ જોવા મળી રહી છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સાથે મેલેરિયા, ચિકનગુનિયાના કેસ વધ્યા છે. પાછલા એક સપ્તાહની વાત કરવામાં આવે તો, સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10742 કેસ ઓપીડીમાં નોંધવામાં આવ્યા છે.

સરકારી આંકડા પ્રમાણે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,742 કેસ ઓપીડીમાં નોંધવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 305 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 35 કેસ પોઝિટિવ એડમિટ કરવાની ફરજ પડી છે. તો મેલેરિયાના 408 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 44 કેસ પોઝિટિવ છે. ત્યારે ચિકનગુનિયાના 45 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાથે જ વાયરલ ઈન્ફેકશનના પણ 1,507 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂનો 1 કેસ નોંધાયો છે. જ્યારે બાળકોની રોજની ઓપીડી 200ને પાર નોંધાઈ રહી છે. જેમાં બાળકોને પણ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં પણ રોગચાળાએ માથું ઉંચકયું છે. સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને કેસ બારી પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અહીં રોજની 800થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે અને જેમાં ઝેરી મેલેરીયા અને તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે. મચ્છરજન્ય રોગચાળો વધતા ગ્રામજનો પણ ખુબ જ હેરાન થઈ રહ્યા છે અને સાથે સાથે ડોકટર પણ ઓપીડીમાં સમયસર આવતા નહીં હોવાની ફરિયાદો દર્દીઓ કરી રહ્યા છે.