PM મોદીને હસ્તે શનિવારે રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ

ગાંધીનગરઃ અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે હાલમાં એક દાયકો પૂર્ણ કર્યો હતો. હવે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે 27 ઓગસ્ટે કરવામાં આવશે.

આ બ્રિજ મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને પશ્ચિમ કાંઠેના ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી પૂર્વ કાંઠે પ્રસ્તાવિત કલા અને સાંસ્કૃતિક પ્રદર્શન કેન્દ્ર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ બ્રિજની ટેક્નોલોજી અને ડિઝાઇન, એમ બંને રીતે અનન્ય છે, જે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અજાયબી બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2001માં રાજ્યના મુખ્ય મંત્રી બન્યા, ત્યારે તેમણે આર્કિટેક્ટ ડો. બિમલ પટેલને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો આપ્યો હતો. તેમણે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સને આકાર આપ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ રિવરફ્રન્ટના વિકાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ની રચના કરી છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO), એક મોટી રાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ એજન્સીએ પણ આ પ્રોજેક્ટ માટે લોન પૂરી પાડી હતી. આ પાઇલટ પ્રોજેક્ટ વર્ષ 2004માં શરૂ કરવામાં આવ્યો, પણ જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો હતો. પરંતુ આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ બની ગયો છે.