કોંગ્રેસનાં તમામ પદો પરથી ગુલામ નબી ‘આઝાદ’ થયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીનાં બધાં પદો અને પ્રાથમિક સભ્યપદેશી રાજીનામું આપ્યું છે. આઝાદે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાંનું રાજીનામું મોકલી આપ્યું છે. આઝાદ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. G-23 જૂથ કોંગ્રેસમાં સતત ફેરફાર કરવાની માગ કરતું રહ્યું છે. આ પહેલાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમને સપાએ રાજ્યસભામાં મોકલ્યા હતા.

આઝાદની નારાજગી ત્યારે સામે આવી, જ્યારે તેમને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા, એ પછી કેટલાક કલાકો પછી તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. સોનિયા ગાંધી ઇચ્છતાં હતાં કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં આઝાદના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડે. તેમને એટલા માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પણ આઝાદે પદ મળ્યા પછી રાજીનામું આપી દીધું હતું.

 આઝાદ અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી મતભેદ હતા. આઝાદે સોનિયા ગાંધીને પત્રમાં લખ્યું હતું કે કોંગ્રેસે ઇચ્છાશક્તિ અને ક્ષમતા- બંને ગુમાવી છે. ભારત જોડો યાત્રા શરૂ કરવા પહેલાં પાર્ટીના નેતૃત્વએ દેશભરમાં કોંગ્રેસ જોડો માટે પ્રયાસ કરવા જોઈએ. રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે લખ્યું હતું કે રાહુલ ગાંધીનો રાજકારણમાં પ્રવેશ અને જાન્યુઆરી, 2013 તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારથી પહેલાં સ્થાપિત જૂના સલાહકાર તંત્રને નષ્ટ થયું હતું. પક્ષમાં વરિષ્ઠ અને અનુભવી લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા.