ચાંગાઃ રાજ્યમાં અમેરિકાસ્થિત મોટોરોલા સોલ્યુશન્સ કંપની દ્વારા ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં સ્થાપિત સૌપ્રથમ ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર (CMRC)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરનું ઉદઘાટન મોટોરોલા સોલ્યુશન્સ ટેક્સાસ USAના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ (કિશન) પટેલને હસ્તે થયું હતું.
મોટોરોલાએ ગુજરાતમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના ચારુસેટમાં કરી છે. આ અગાઉ ચારુસેટ-મોટોરોલા સોલ્યુશન્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ચારુસેટ અને મોટોરોલા વચ્ચે 7 સપ્ટેમ્બર, 2021એ MOU કરવામાં આવ્યા હતા. NRG ક્રિસ પટેલ મૂળ ચરોતરના વતની છે અને તેમણે વતનપ્રેમ દર્શાવવા અને ઋણ અદા કરવા ચારુસેટમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરી છે.
ચારુસેટમાં આ સેન્ટર શરૂ કરવાનો હેતુ UG-PGના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટનો, અભ્યાસક્રમના વિસ્તરણ-ફેકલ્ટી ડેવલપમેન્ટનો છે. આ સેન્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે એ ચારુસેટ, મોટોરોલા, ભાવિ પેઢીને ઉપયોગી થશે. મોટોરોલા ચારુસેટના વિદ્યાર્થીઓની પોતાની કંપનીમાં નિમણૂક કરશે. મોટોરોલા ચારુસેટને પોતાની કુશળતા, નિષ્ણાતો, કલાઉડ ડેટા સેન્ટર-સોફ્ટવેર અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરશે, જ્યારે ચારુસેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક, હાર્ડવેર અને વિદ્યાર્થીઓનું કૌશલ્યબળ પૂરું પાડશે.
મોટોરોલા દ્વારા અત્યાર સુધીમાં ચારુસેટના 12 વિદ્યાર્થીઓને જોબ પ્રાપ્ત થઈ છે અને 19થી વધારે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે છે. 40 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા આ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરમાં અદ્યતન સુવિધાયુક્ત ત્રણ કોન્ફરન્સ રૂમ- જેમાં બે કોન્ફરન્સ રૂમ 10-10 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે અને એક કોન્ફરન્સ રૂમ 15 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે, ઇકોસ્ટિક સાઉન્ડપ્રૂફ રૂમ રેડિયો ઇક્વિપમેન્ટ ટેસ્ટ થઈ શકે છે. સ્પેશિયલાઇઝડ મોબાઇલ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ છે.
મોટોરોલાનું સેન્ટર બેંગલોરમાં છે ત્યાર બાદ તેમણે ગુજરાતમાં પોતાના સૌપ્રથમ સેન્ટર માટે ચારુસેટ પર પસંદગી કરી છે. તાજેતરમાં 20 ફેબ્રુઆરીએ રવિવારે વડોદરામાં મોટોરોલા સોલ્યુશન્સ દ્વારા વડોદરા ટેક્નોલોજી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.