અમદાવાદઃ ફાર્મા સેક્ટર માટે ગુજરાત મૂડીરોકાણનું હબ બનતું જાય છે. ગયા નાણાકીય વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફાર્મા કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે. 100થી વધુ ફાર્મા કંપનીઓના મૂડીરોકાણ પછી આવનારા સમયમાં વધુ કંપનીઓ રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવાની અપેક્ષા છે.
આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આશરે 400 કંપનીઓએ રાજ્યમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
રાજ્યમાં નાણાકીય વર્ષ 2024 દરમ્યાન ફાર્મા કંપનીઓએ અન્ય રાજ્યોની તુલનાએ વધુ કંપનીઓએ પ્રવેશ કર્યો હતો. રાજ્યમાં નાણાં વર્ષ 2024માં 133 નવી ફાર્મા કંપનીઓ આવી અને એનાથી પ્રદેશમાં કુલ રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ આવશે અને એમાં અનેક કંપનીઓએ નવા એકમોનું બાંધકામ શરૂ કરી દીધું છે, એમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
ફાર્મા સેક્ટર માટે ગુજરાત પહેલેથી જ મૂડીરોકાણનું આકર્ષક સ્થળ રહ્યું છે. વર્ષ 2019થી અત્યાર સુધી રાજ્યમાં 627 નવા ફાર્મા પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને એમાં ઓર વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 376 ફાર્મા કંપનીઓએ સમજૂતી કરાર કર્યા છે. આ 376 સમજૂતી કરાર હેઠળ રૂ. 38,000 કરોડનું મૂડીરોકાણ આવે એવી શક્યતા છે. ગુજરાતનો દેશના દવા ઉત્પાદનમાં 28 ટકા હિસ્સો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ઝાયડસ ગ્રુપે રાજ્યમાં બાયોટેક ઉત્પાદન અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે રૂ. 5000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી.