વિદ્યાનગરઃ મને ગૌરવ છે કે મેં ગણપત યુનિવર્સિટીમાં દાન કર્યું છે. મારી કારકિર્દી શિક્ષક તરીકે શરૂ થઈ હતી. ગણપત યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે કૃષિનું એવું ભણો અને ખેતી કરો. જેથી ગામડાં તૂટતાં બચી શકે. લોકોને ગામ તરફ પાછાં વાળવાનો પડકાર ઝીલી લો. ગામડાં ભાંગતાં બચાવવાનો એકમાત્ર માર્ગ ખેતી જ છે. એક કણની સામે હજાર કણ પાછા મળે તો પથી ખેડૂત ગરીબ કેમ હોય છે? કશુંક એવું નવું કરો કે ખેડૂતો સમૃદ્ધ બને. ગણપત યુનિવર્સિટીના આંગણે કાંતાબહેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર સાયન્સિસ એન્ડ રિસર્ચના મુખ્ય દાતા કાશીરામ પટેલે તાજેતરમાં યોજાઈ ગયેલા ઓનલાઇન ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ખાસ અમેરિકાથી ઉપસ્થિત રહી ઇન્સ્ટિટ્યૂટમાં નવા પ્રવેશી રહેલા પ્રથમ બેચના વિદ્યાર્થીઓને આવી શીખ આપી હતી.
તેમણે યુનિવર્સિટીના કાર્યને ગણપતભાઈના જ્ઞાન-યજ્ઞ તરીકે બિરદાવતાં વિદ્યાર્થીઓને સમાજ માટે સારી ભાવના રાખવા અને સારા માણસ બનવાની મહત્ત્વની વાત પણ કરી હતી.
ગણપત યુનિવર્સિટીએ હવે જે એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવાની દિશામાં પગરણ માંડ્યાં છે. ત્યારે સ્વાભાવિક રીતે જ અપેક્ષા જન્મે કે આ સંસ્થા દ્વારા તૈયાર થતા તાલીમ પામેલા અને ખેતીવાડી ક્ષેત્રનું વિશેષ જ્ઞાન-કૌશલ ધરાવતા વિદ્યાર્થીઓ કુદરતી આફતોના સંજોગોમાં પણ ઉત્પાદનમાં ગ્રોથ જાળવે અને નુકસાન ખાળી શકે.
યુનિવર્સિટી દ્વારા આ વર્ષથી શરૂ થઈ રહેલા નવા કાંતાબહેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર સાયન્સિસ એન્ડ રિસર્ચની B.SC. (ઓનર્સ)ના ચાર વર્ષના અભ્યાસક્રમની ગૌરવવંતી પ્રથમ બેચના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં રાષ્ટ્રના અભિયાનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે, જેમાં અભ્યાસ-સંશોધન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
મુખ્ય અતિથિ મહેશ સિંહે (IFSએ) ખેતીવાડીના અભ્યાસક્રમના પ્રારંભ માટે અભિનંદન આપી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેતી એ માનવજાતે વિકસાવેલું જૂનામાં જૂનું વિજ્ઞાન છે. યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે વિદ્યાર્થીઓની નવી બેચને ઉત્સાહપૂર્વક આવકારી અને વિશ્વ કક્ષાના શિક્ષણના સુવિધાઓ અહીં સુલભ બનશે એવી બાયંધરી આપી હતી.