કેવીક અડીખમ છે એમ.જે. લાઇબ્રેરી?

સોશિયલ મિડીયાના આ જમાનામાં વાંચનની ટેવ સતત ઘટતી જાય છે એવી ફરિયાદ આપણે સાંભળતા રહીએ છીએ. એ ફરિયાદ ખોટી પણ નથી. વાંચનની આદત આ જ રીતે ઘટતી જશે તો એક દિવસ પુસ્તકાલય એ શબ્દ ફક્ત ડિક્શનરીમાં જ રહી જશે અને નવી પેઢી માટે આ શબ્દ ભૂતકાળ હશે.

ભૂતકાળ છોડો, વર્તમાનમાં પણ પુસ્તકાલય એ શબ્દ અઘરો થતો જાય છે. પુસ્તકાલયો ધીમે ધીમે જે રીતે અદૃશ્ય થતાં જાય છે એ જોતાં એક વિચાર એવો આવે કે, એક સમયે જે પુસ્તકાલયો વાચનશોખીન લોકોથી ઉભરાતાં હતા એ પુસ્તકાલયોની આજે સ્થિતિ કેવી હશે?

એ સવાલનો જવાબ મેળવવા આવો આજે વાત કરીએ એક સમયે અમદાવાદ જેવા શહેરની એક ઓળખ હતી એ પ્રસિધ્ધ એમ. જે. લાઇબ્રેરીની. 15 એપ્રિલ 1938 ના રોજ સ્થપાયેલ આ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય એટલે કે એમ. જે. લાઇબ્રેરી એક અર્થમાં જ્ઞાનની ગંગા સમાન છે.

ઇતિહાસ

એક બાજુ દાંડીકૂચની ચળવળ શરૂ હતી અને બીજી બાજુ 27મી જુલાઈ 1933 ના રોજ ફ્રી પ્રેસના માધ્યમથી રસિકલાલ માણેકલાલ સુધી ગાંધીજીના વિચારો પહોંચ્યા. સાબરમતી આશ્રમ બાદ ગાંધીજીએ એક સાર્વજનિક પુસ્તકાલય બનાવવાનો વિચાર કર્યો હતો. રસિકલાલ માણેકલાલને આનો વિચાર આવતાની સાથે જ તેમણે પોતાના પિતાની સ્મૃતિ રૂપે ગાંધીજીને 55000 રૂપિયાની ભેટ મોકલી હતી. એ પછી “માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય” અસ્તિત્વમાં આવ્યું હતું. જયપુરી સ્થાપત્યશૈલી ધરાવતા આ પુસ્તકાલયનું લોકાર્પણ લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે 15 મી એપ્રિલ 1938ના રોજ કરવામાં આવ્યું. જે બાદ રસિકલાલ માણેકલાલ તરફથી અવિરત અનુદાન મળતા “સુભદ્રાબેન માણેકલાલ વાંચનાલય” અને “બાળકિશોર વિભાગ” પણ અસ્તિત્વમાં આવ્યા હતા. આ સાથે નોંધનીય છે કે આ પુસ્તકાલયની શરૂઆત જેમ રસિકલાલ માણેકલાલના અનુદાનથી થયેલ છે. તેમ ગાંધીજીના વિચારો અહીંથી જ વિસ્તરણ પામ્યા છે. વાત 1930ની છે જ્યારે પુસ્તકાલય પૂર્ણરૂપે અસ્તિત્વમાં પણ નહોતું આવ્યું ત્યારે ગાંધીજીએ પુસ્તકાલયને 7000 પુસ્તકોની ભેટ આપી હતી. જે બાદ સાહિત્યકારો, સાહિત્ય રસિકો અને જ્ઞાનપિપાસુ માં “મા.જે.” ના હુલામણા નામથી આ પુસ્તકાલય તેના પ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદીપ્યમાન અને સુવાસિત બન્યું છે.

વર્તમાન

માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં આજે પણ જ્ઞાનની ગંગા વહી રહી છે. હાલના સમયમાં પણ દૈનિક લગભગ 3000 થી વધુ લોકો આ જ્ઞાનની ગંગામાં ડૂબકી મારે છે. જ્યારે વાત જ્ઞાનની થાય તો વિજ્ઞાનને કેમ ભૂલી શકાય, હજારો લોકોને જ્ઞાન પીરસતી આ લાયબ્રેરી વિજ્ઞાન સાથે પણ તાલ મેળવીને ચાલે છે. 15 મી એપ્રિલ 2010ના રોજ આ લાઇબ્રેરીનું વિસ્તરણ કરવામાં આવ્યું. ત્યાં પુસ્તકાલયની તમામ સેવાઓ કમ્પ્યુટર આધારિત કરવામાં આવી હતી. જ્યારે વધતા વિકાસમાં વચ્ચે દેશનો અમૂલ્ય વારસો ગુમ ન થાય તે માટે પુસ્તકાલયને 30મી જાન્યુઆરી 2016 ના ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિતે પુસ્તકાલયની વેબ સાઈટ કાર્યરત થઇ. 1 લી જુલાઈ 2021 ના રોજ  પુસ્તકાલયને ડિજિટલ બનાવવામાં આવ્યું. આ પુસ્તકાલય લોકોની આંગળીના ટેરવે પહોંચ્યું. જેમાં હાલ 55000 કરતા પણ વધુ પુસ્તકોની વાંચનસામગ્રી ઉપલબ્ધ છે.

હાલ એમ.જે લાયબ્રેરી અંતર્ગત શહેરમાં બીજા પાંચ પુસ્તકાલય અને વાંચનાલયો કાર્યરત છે. લાયબ્રેરીમાં બધી વયના લોકો માટે વાતાનુકુલ કક્ષ અલગ-અલગ પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ખાસ પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ પણ સજ્જ કરવામાં આવ્યો છે. જેમાં 1832 શ્રાવ્ય ગ્રંથો ઓનલાઈન પણ કરવામાં આવ્યા છે. નોંધનીય બાબત તો એ છે કે શ્રાવ્ય વિભાગને સજ્જ કરવા માટે હાલ સુધીમાં લગભગ 1.30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નવા સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન

શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય નવા સાહિત્ય સર્જન માટે પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં પાછળ રહ્યું નથી. પુસ્તકાલયના સહયોગથી અમદાવાદ શહેરના જૂની રંગભૂમિના સિનિયર કલાકાર ‘સિનિયર આર્ટીસ્ટ ફોર્મ’ તેમજ ‘શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન’ અંતર્ગત તેમની કળા વ્યક્ત કરી શકે અને નવોદિત સાહિત્યકારો અને સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ માટે પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ઓડિટોરિયમમાં પ્રતિ માસ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે.

પુસ્તકાલયના ગ્રંથપાલ બિપીન મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવે છે કે ‘જ્ઞાનના ભંડાર સાથે સંસ્કૃતિને આગળ ધપાવતાં આ પુસ્તકાલયનો બુલેટ ટ્રેનની ગતિથી વિકાસ થઇ રહ્યો છે. પહેલા અહીં તમામ પુસ્તકો પરંપરાગત પદ્ધતિથી આપવામાં આવતા હતા. જે બાદ ટેકનોલોજીના વિકાસ સાથે પુસ્તકાલય પણ ડિજિટલ લાયબ્રેરી સ્વરૂપે બહાર આવી છે. હાલ 8 લાખ કરતા વધુ પુસ્તકો અને 25000 કરતા વધુ સભાસદોના ડેટા RFID સિસ્ટમ હેઠળ સજ્જ કરવામાં આવ્યા છે. જેની મદદથી સમય અને સ્થળની મર્યાદા સિવાય ઉભોક્તા જરૂરિયાત મુજબ સાહિત્ય શોધ કરી શકે છે. સંસ્કૃતિની જ્યારે વાત આવે ત્યારે હાલ ગાંધીજીના 15000 મુલ્યવાન પુસ્તકો ઓનલાઈન રાખવામાં આવ્યા છે. પુસ્તકો સાથે વાચકોની સુવિધાનું અહીં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાચકોના સમય અને સંપત્તિના બચાવ અર્થે અહીં લાયબ્રેરી નેટવર્ક સજ્જ કરવામાં આવ્યું છે. જેથી વાચક પુસ્તકાલય હેઠળ કાર્યરત બીજા ચાર પુસ્તકાલયમાંથી પણ મનપસંદ પુસ્તક વાંચી શકે છે.’

(તેજસ રાજપરા- અમદાવાદ)