બનાસકાંઠાના અમીરગઢમાં મગફળીના ઓછા ભાવથી ખેડૂતોમાં રોષ

આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં મગફળીનું વાવેતર ખુબ સારુ થયું હતું. જોકે આ વર્ષે મગફળીનો મબલખ પાક પણ ખેડૂતોએ લીધો છે. પરંતુ હવે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા સાથે ભારોભારો રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદને પગલે મગફળીનું ઉત્પાદન સારૂ થયુ હતું. જ્યારે ગુજરાતના અમુક વિસ્તારમાં પાછોત્રા વરસાદે પાક પાણી ફેરવી દીધુ છે.

નોંધનીય છે કે ગત વર્ષે 1300થી 1400 રૂપિયા હતા, જ્યારે આ વર્ષે 900થી 1100 રૂપિયાનો ભાવ ખેડૂતોની મળી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવે મગફળી ડિસેમ્બર માસમાં ચાલુ થશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતને અત્યારે તો નીચા ભાવે માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. અત્યારે દિવાળીની સિઝન છે સામે રવિ સિઝન પણ આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને એને કારણે જ ખેડૂતો ઈકબાલગઢ માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનું ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ખર્ચા વચ્ચે ખેડૂતને ભાવ ન મળતા અત્યારે તો ખેડૂત મુશ્કેલીમાં છે. પરંતુ રવિ સીઝન અને દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને મગફળી વેચવી પડે તેવી પરિસ્થિતિ છે. સરકારે ટેકાના ભાવે મગફળીનો 1300 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે અને મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. પરંતુ આ રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં મગફળીની ખરીદી થશે.