અમરેલીઃ રાજ્યના સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાના હુમલા વધતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. અમરેલીના બગસરામાં મોડી રાત્રે ભર ઊંઘતી બાળકીને સિંહણ ઉઠાવી જતાં ખળભળાટ મચી ગયો છે. વન વિભાગ અને ગ્રામજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ બાળકી કે સિંહણ બંનેમાંથી કંઈ હાથ લાગ્યું નહોતું, પણ સવારના સમયે બાળકીનાં અંગો મળી આવ્યાં હતાં. આ ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બગસરાના હાલરિયા ગામમાં એક વાડીમાં બહારથી મજૂરી માટે આવેલો પરિવાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં સિંહણ આવી પહોંચી હતી અને બાળકીને ઉઠાવી ગઈ હતી. સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. લોકોએ સિંહણની પાછળ બાળકીને છોડાવવા માટે દોડાદોડ કરી મૂકી હતી. બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી અને વધુ શોધખોળ હાથ ધરી હતી.
અમરેલી ઇન્ચાર્જ IFS સાદિક મુંઝવારે આ ઘટનાની ગંભીરતા દાખવી સ્થાનિક RFOએ સહિત અધિકારીઓને સૂચના આપી સિંહણને પાંજરે પૂરવા અલગ-અલગ ત્રણ જેટલી ટીમો બનાવી હતી. નાની બાળકીને સિંહણે ભરખી જતાં પરિવાર પર આભ ફાટી પડ્યુ હતું.
પાંચ વર્ષની દીકરી ગુમાવતાં પરિવાર માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. જ્યારે આસપાસના લોકોને હજી પણ એક જ ડર સતાવી રહ્યો છે કે સિંહણ આટલામાં જ હશે અને એમનો કે એમના પરિવારજનનો શિકાર કરશે તો? જેથી ડરને કારણે સ્થાનિકો ધ્રૂજી રહ્યા છે.
