અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગાહીના પગલે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજવી દીધા છે. અમદાવાદના ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
26 સપ્ટેમ્બરના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં અને 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.