અમદાવાદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મોટું કૌભાંડ થતું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. રિવરફ્રન્ટ ઈસ્ટમાં આવેલા ખોડીયાર નગર નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યાં ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કંપનીઓના ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું કામ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુજબ ખોડીયાર નગરમાં ગેસ એજન્સીઓ સાથે કામ કરતા વ્યક્તિઓ રહે છે અને  ગેસ સિલિન્ડરની ડીલેવરી કરતી લોડીંગ રીક્ષાઓના માલિકો પણ રહે છે. જે રિક્ષાઓમાં ગ્રાહકોને આપવાનો ગેસ સિલિન્ડર ત્યાં લાવીને તેમાંથી ગેસની ચોરી કરે છે. અગાઉ આ જગ્યાએ પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ દોરડો પાડીને કાર્યવાહી કરી હતી. પરંતુ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા તત્વો બે રોકટોક રીતે ફરીથી સક્રિય થયા છે.  આ પુરા કૌભાંડમાં કેટલા ગેસ એજન્સીના માણસો પણ સંકળાયેલો હોવાની માહિતી મળી રહી છે. આ બાબતે ગેસ એજન્સીઓએ પણ અગાઉ તપાસ કરી હતી અને કેટલાક કર્મચારીઓને છૂટા કરીને કાર્યવાહી પણ કરી હતી પરંતુ ખોડીયાર નગર પાસે ચાલતું ગેસ ચોરીનું કૌભાંડ હજી અટક્યું નથી. બજારમાં રૂપિયા 810 માં મળતો ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે 1500 રૂપિયાથી 2000 રૂપિયામાં આપવામાં આવે છે. આ માટે ગેસ એજન્સી સાથે સંકળાયેલા લોકો એક-એક ગેસ સિલિન્ડરમાંથી એક કિલોથી દોઢ કિલો સુધીનો ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરમાં ભરે છે. આમ પ્રતિદિન આ જગ્યાએથી 50 થી 100 સિલિન્ડર ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો અનેક મોટા નામના ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે.