IKDRCએ વધુ ત્રણ જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યાં

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા ફ્લેગશિપ પ્રોગ્રામ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) હેઠળ કચ્છમાં બે, વડોદરા અને સુરત જિલ્લામાં એક-એક ડાયાલિસિસ સેન્ટર ખોલવામાં આવ્યાં છે.

આ સેન્ટરમાં ગરીબ દર્દીઓ માટે પ્રશિક્ષિત ટેકનિકલ સ્ટાફની દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સેશન્સ સમગ્ર વર્ષમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક મેળવશે, એમ જણાવતાં IKRDC-ITCના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે ડાયાલિસિસના દર્દીઓની સંખ્યામાં વધારા સાથે વધુ સંખ્યામાં મશીનો પ્રસ્થાપિત કરવામાં આવશે. બે GDP સેન્ટર્સ-ગાંધીધામ અને માંડવીની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં આવ્યાં છે, આ બંને કેન્દ્રો પર પાંચ-પાંચ અત્યાધુનિક ડાયાલિસિસ મશીનો છે. વડોદરાના ગોત્રીમાં 15 મશીનો સાથેનું બીજું GDP સેન્ટર નજીકનાં ગામડાંઓ અને આસપાસના શહેરી વિસ્તારોમાં ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરશે. માંડવી નગરમાં નવું ડાયાલિસિસ સેન્ટર શરૂ થવા સાથે સુરતને બીજું સેન્ટર પણ મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતો ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)એ 60 સેન્ટર્સ અને 600 ડાયાલિસિસ મશીનો સાથે વિશ્વમાં ડાયાલિસિસ સેન્ટર્સની સૌથી મોટી જાહેર-ક્ષેત્રની ચેન છે. GDP સેન્ટર્સ રાજ્યમાં દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેcને નિઃશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરે છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 15 લાખ ડાયાલિસિસ સેશન્સ કર્યા છે. GDP 3000થી વધુ દર્દીઓને સુવિધા પૂરી પાડે છે.  IKRDC રાજ્યભરમાં દર મહિને 25,000 ડાયાલિસિસ કરે છે. આ યોજના હેઠળ, બીપીએલ-કાર્ડ ધરાવતા ગરીબ દર્દીઓ જ્યારે તેમના ડાયાલિસિસ સેશનમાં હાજરી આપવા માટે GDP સેન્ટરની મુલાકાત લે છે ત્યારે તેમને મુસાફરીના ખર્ચ પણ આપવામાં આવે છે.

ફેરફેક્સ ઇન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP)ને સમર્થન આપવા માટે તેની દેશવ્યાપી પહેલ હેઠળ ગાંધીધામ અને માંડવીમાં હેમોડાયલિસિસ મશીનોની સુવિધા આપવામાં આવી છે.