IITRAMમાં ICIIF 2024નો સફળ સમારોપ

અમદાવાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈનોવેશન પર 2જી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ(ICIIF 2024) નું 15થી 17 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ત્રિદિવસિય સમારંભે વૈશ્વિક સ્તરે નવીનતાના માર્ગ દર્શાવતા વિવિધ ઉદ્યોગજગતના નેતાઓ, સંશોધકો અને શૈક્ષણિક કાર્યકરોને એક મંચ પર લાવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નવી શક્યતાઓ પર ચર્ચા કરી.

પ્રખ્યાત રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન (NID)ના ડિરેક્ટર ડૉ. અશોક મોંડલ દ્વારા ઉદ્ઘાટિત આ કૉન્ફરન્સમાં 105 abstracts રજૂ કરવામાં આવ્યા.  ઉપરાંત 10 તકનીકી સત્રો અને 6 મુખ્ય પ્રવચનો યોજાયા, જેમાં પ્રખર નિષ્ણાતોએ પોતાના અભિપ્રાયો આપ્યા. આમાં સ્થિર અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ વિકાસ, અને ડિજિટલ ઇનોવેશન જેવા મહત્વના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ યોજાઈ.

આ કોન્ફરન્સનું યુનિવર્સિટી પોલીટેકનિક હોટ્સ-ડી-ફ્રાન્સ, ફ્રાન્સ (University Polytechnic Hauts-De-France, France) સાથેનો સહયોગ એ એક વિશેષ આકર્ષણ હતું. આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા બંને દેશોના નિષ્ણાતોએ નિખાલસ ચર્ચા કરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પડકારોને દુર કરવા માટે નવીન માર્ગો શોધવા પર ભાર મુક્યો.

ICIIF 2024 એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નવીન વિચારો અને તકનીકોના આદાનપ્રદાન માટે એક ઊર્જાવાન મંચ પૂરું પાડ્યું. IITRAMએ આ કાર્યક્રમ દ્વારા પોતાનું સ્થાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નવીનતા અને સંશોધનના કેન્દ્ર તરીકે મજબૂત કર્યું છે.

આજે આ સમારંભના અંતે આયોજન સમિતિ દ્વારા તમામ ભાગીદારો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ ઇવેન્ટને સફળ બનાવવામાં યોગદાન આપવા બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી.