અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ને દેશના શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાન તરીકે સતત પાંચમાં વર્ષ માટે રાષ્ટ્રીય સંસ્થા રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) ઈન્ડિયા રેન્કિંગ્સ 2024માં સ્થાન મળ્યું છે, જે આજે શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે IIMAના નિયામક પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું કે “IMA ખાતે, અમે મેનેજમેન્ટ એજ્યુકેશન અને રિસર્ચમાં ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. શિક્ષણ મંત્રાલયના NIRF 2024 રેન્કિંગ દ્વારા સતત પાંચમા વર્ષે ભારતની શ્રેષ્ઠ વ્યવસ્થાપન સંસ્થાનો એવોર્ડ મળવાથી આનંદ અનુભવી રહ્યા છીએ. આ સન્માન અમારા ફેકલ્ટી દ્વારા આપવામાં આવતી ઉત્તમ શિક્ષણ અને અગ્રણી સંશોધનને ઉજાગર કરે છે, જેનો બિઝનેસ અને જાહેર નીતિ પર ઊંડો પ્રભાવ છે. જ્યારે અમે આ સિદ્ધિ પર ગર્વ અનુભવીએ છીએ, ત્યારે તે અમારા તમામ પ્રયાસોમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના અમારા સંકલ્પને બળ આપે છે, અને ભારતની વિકાસગાથામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની આપણી પ્રતિબદ્ધતા પ્રબળ બનાવે છે.”
NIRF એ દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરી રેન્કિંગ આપે છે. આ સંસ્થા અધ્યાપન, અધ્યયન અને સંસાધનો, સંશોધન અને વ્યવસાયિક વ્યવહાર, ગ્રેજ્યુએશન પરિણામો, આઉટરીચ અને સર્વસમાવેશકતા, અને ધારણા જેવા પરિબળોને આવરીને શિક્ષણ સંસ્થાને રેન્કિંગ આપે છે. આ સંસ્થા દ્વારા 2016 માં રેન્કિંગ આપવાનું શરૂ થયું હતું, જ્યારે IIMA ને 2017, 2018 માં ટોચના સ્થાને મૂકવામાં આવ્યું છે અને પછી 2020થી સતત ટોચના સ્થાન પર છે.