અમદાવાદ– ડેપ્યુટી સીએમ નિતીન પટેલને દિવસભર પાટીદાર નેતાઓ અને વિવિધ પટેલ આગેવાનોનો મળવાનો દોર ચાલુ રહ્યો હતો. તેમના નિવાસસ્થાનની બહાર તેમના ટેકેદારોનો મોટો જમાવડો રહ્યો હતો. કોંગ્રેસે નિતીન પટેલને 10 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લી ઓફર પણ કરી છે, અને ઉચ્ચપદની વાત કરી છે, આ ઘટનાક્રમ પછી ડેપ્યુટી સીએમ નિતીન પટેલે નિવેદન આપ્યું હતું કે આ તો સ્વાભિમાનની વાત છે, હું 10 ધારાસભ્યો સાથે રાજીનામું આપીશ તે વાત સાવ ખોટી છે. મે મારી લાગણી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી છે, તેઓ આ બાબતે ગંભીર છે. ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે મને આવી રીતે સાઈડટ્રેક ન કરાય. આ ખાતાનો મામલો નથી, સ્વાભિમાનનો મામલો છે. મહેસાણા બંધનું એલાન આપવું યોગ્ય નથી. મે મારી લાગણી હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી છે. જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નિતીન પટેલ સાથે વાત કરી છે. નિતીન પટેલને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નિતીન પટેલે કહ્યું હતું કે હું પાર્ટી છોડવાનો નથી. અને હાર્દિક પટેલ મને મળવા આવશે તો હું તેમને મળીશ.
આજે વહેલી સવારે બોટાદમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે નિતીન પટેલને પાર્ટીને સમ્માન ન મળે તો કોંગ્રેસમાં આવી જાય, તેમનું અમે સ્વાગત કરીશું. ત્યાર પછી આખો દિવસ નિતીન પટેલના નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓ નરોત્તમ પટેલ, કિરીટ પટેલ, લાલજી પટેલ વિગેરે મળવા દોડી આવ્યા હતા. અને નિતીન પટેલની સાથે છીએ એવી લાગણી દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે રુપાણી સરકારમાં નિતીન પટેલ ખુબ જ સીનીયર નેતા છે, તેમની ઉપેક્ષા ન કરી શકાય. નરોત્તમ પટેલનું કહેવું હતું કે પ્રધાન મંડળના નામો નક્કી કરતી વખતે નિતીન પટેલની સંમતિથી થવા જોઈતા હતા.
એસપીજીના લાલજી પટેલે નિતીનભાઈ પટેલને મળીને બહાર આવીને મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નિતીનભાઈને સીએમ બનાવવા જોઈએ. તેમના કારણે તો શહેરોમાં ભાજપનો વિજય થયો છે. પાટીદારોએ તેમનામાં વિશ્વાસ મુક્યો છે. તેઓની નારાજગી યોગ્ય છે, અમે પહેલી જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાન આપીશું. મહેસાણા શહેરના ભાજપ પ્રમુખે રાજીનામુ આપાવીન ધમકી આપી હતી. સમગ્ર પાટીદાર સમાજ નિતીનભાઈની સાથે છે, અને જો નિર્ણય નહી આવે તો અમે ગુજરાત બંધનું એલાન આપીશું.
કડી શહેર ભાજપ પ્રમુખ 150 સમર્થકો સાથે નિતીન પટેલના મળવા પહોંચ્યા હતા.