અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રિ આરાધનાના દિવસોની સાથે ઉત્સવ અને મહોત્સવની જેમ ઊજવાય છે. ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
દેશમાં કોરોના વાઇરસની અસરો ઘટતાં જ આ વર્ષે તમામ તહેવારો, ઉત્સવોની રંગેચંગે ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે ગણેશોત્સવ હોય કે નવરાત્રિ તહેવાર -બમણા ઉત્સાહથી લોકો બહાર આવી રહ્યા છે. નવરાત્રિને ઊજવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાસ-ગરબાની તાલીમ આપતાં ટ્રેનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. શહેરમાં જુદા-જુદા ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી અજમાવી રહ્યા છે.
અમદાવાદમાં ‘પનઘટ પર્ફોર્મિંગ આર્ટ’ સાથે જોડાયેલા ગરબાના ગ્રુપ દ્વારા રાસ-ગરબાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દેશ-વિદેશમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે.
પનઘટ પર્ફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે અમારું ‘ગરબા ગ્રુપ’ દેશનાં જુદા-જુદા રાજ્યો ઉપરાંત વિદેશમાં આપણી ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતાં રાસ-ગરબાના શો પરફોર્મ કરી આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. બે વર્ષના કોરોનાના કપરાંસમય પછી આ વર્ષે સૌ ગરબાપ્રેમી લોકો નવરાત્રિની ઉજવણી કરવાનો ભારે ઉત્સાહ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)