ગોંડલમાં પદ્મિનીબા વાળા સામે હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ

ગોંડલમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપનો ગંભીર આરોપ લાગતાં ખળભળાટ મચી ગયો છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે, આરોપીઓએ એક યુવતી મારફતે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

ફરિયાદ પ્રમાણે, તેજલ છૈયા નામની યુવતીએ ફરિયાદીને વીડિયો કોલ અને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો. આ દરમિયાન યુવતીએ પોતાના શરીરનો ભાગ બતાવીને ફરિયાદીને ફસાવ્યા અને બાદમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી. આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી, જેમાં પદ્મિનીબા વાળાએ ફરિયાદીને જાહેરમાં કપડાં કાઢી મારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હોવાનું જણાવાયું છે.

ફરિયાદીએ બળજરી પૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી, અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચર્ચાનો વિષય બની છે, અને લોકો પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે.