રાજકોટઃ શહેરમાં દૂધ અને દૂધના વિવિધ ઉત્પાદનો હવે આંગળીના ટેરવે ઘરે બેઠા મળી શકશે! દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ હાલના લોકડાઉનના સમયમાં શહેરીજનોની સાનુકૂળતાને ધ્યાને લઇ ઓનલાઇન દૂધ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. કંપની દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરાતા રાજકોટના શહેરી વિસ્તારના લોકોને હવે આંગળીના ટેરવે ઘરે બેઠા માહી કંપનીના દૂધ દહી ઘી છાશ વગેરે ઉપલબ્ધ બન્યા છે.
ટેક્નોલોજીએ આજે માનવ જીવનમાં સ્થાન લીધું છે. તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોને તો માનવીઓનું મોટાભાગનું કાર્ય આંગળીના ટેરવે કરી દીધું છે. ટેકનોલોજીનો સમજપૂર્વકનો ઉપયોગ જીવનશૈલીને સરળ બનાવી આપે છે. આજે મોટાભાગની કંપનીઓ ટેકનોલોજી આધારિત માર્કેટિંગનો ઉપયોગ કરતી થઈ છે, ત્યારે રાજકોટ સ્થિત માહી કંપનીએ કોવિડ-૧૯ ના રોગચાળાને કારણે હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને શહેરીજનોની સુવિધામાં વધારો કરી ઓનલાઇન મિલ્ક એપ્લિકેશન લોન્ચ કરી એમને જરૂરિયાત મુજબના દૂધ અને તેના વિવિધ ઉત્પાદનો ઘરે બેઠા ઉપલબ્ધ કરાવી એક નવતર પ્રયોગ કર્યો છે.
મિલ્ક ઓન મોબાઈલ (MOM) એ એક એવી સુવિધા જનક મોબાઈલ એપ્લિકેશન છે કે જે એન્ડ્રોઇડ મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગ્રાહકે તેની વ્યક્તિગત માહિતી ભરવાની રહે છે. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરીએ છીએ એવી જ રીતે માહી દુધ તેમ જ માહી દૂધના વિવિધ ઉત્પાદનોની પણ ખરીદી ગ્રાહક આ એપ્લિકેશન દ્વારા ઓર્ડર આપી કરી શકે છે.
આ અંગે કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આજે કોરોના વાયરસના કારણે લોકડાઉન ફરજિયાત બન્યું છે. ત્યારે રાજકોટના શહેરીજનોને ઘેર બેઠા દૂધ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વિચાર આવતાં આ અંગે તાત્કાલિક એપ્લિકેશન તૈયાર કરાવી અમલમાં મૂકી છે. એક તરફ વિટામીનની ઊણપથી લોકોમાં હાડકા અને સાંધાના રોગો વધી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં માહી એ એક માત્ર કંપની છે કે જેણે એફ.એસ.એસ.એ.આઇ. ની માર્ગદર્શિકાને ધ્યાને લઈને વિટામીન એ અને ડી યુક્ત દૂધ માર્કેટમાં રજૂ કરેલું છે. જે હવે આ એપ્લિકેશન થકી શહેરીજનોને ઘરે બેઠા મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા લોકડાઉનનું લોકો ચુસ્તપણે પાલન કરે તે માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કંપનીએ લોકડાઉનના સમયમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા લોકોની સુખાકારીને પ્રાધાન્ય આપી, કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર વેચાણ કિંમતે જ આ દૂધ તેમજ તેના ઉત્પાદનો ઘરબેઠા ઉપલબ્ધ કરાવતા તેને લોકોનો બહોળો પ્રતિસાદ મળશે એમાં શંકાને સ્થાન નથી.
(હેતલ દવે-રાજકોટ)