હાઇકોર્ટનો રખડતા ઢોર, ટ્રાફિક મુદ્દે અધિકારીઓને હાજર થવા આદેશ

અમદાવાદઃ હાઇકોર્ટે રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા,  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મામલે લાલ આંખ કરી છે. કોર્ટ હવે AMCના જવાબદાર અધિકારીઓ સામે આરોપો ઘડશે. હાઈકોર્ટે  અધિકારીઓને આવતી કાલે સવારે 11 કલાકે રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કમિશનર્સ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂમાં હાજર રહેવા નિર્દેશ કર્યો છે.

કોર્પોરેશને  કોર્ટમાં ઢોર પકડતી ટીમ પર હુમલા થતાં હોવાની રજૂઆત પણ કરી છે. પશુમાલિકો તરફથી થતા હુમલાની કોર્ટે નોંધ લીધી છે. અમદાવાદમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે અગાઉ અનેક વખત ટકોર અને નિર્દેશો કર્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય આવતાં AMC તંત્રના અધિકારીઓ સામે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.

ગઈકાલે હાઇ કોર્ટમાં જાહેરહીતની અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું કોર્ટે જણાવ્યું અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટની કોર્ટે ગંભીર નોંધ લીધી. તંત્ર ગંભીરતાથી ઠોસ પગલાં નથી લઈ રહ્યું હોવાની બાબત પણ કોર્ટે નોંધી. હવે AMCના અને સરકારના તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે. કોર્ટ હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી કરશે. જોકે રાજ્ય સરકાર અને AMC તરફથી કોર્ટ પાસે સમયની માગણી કરી છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે હજી કેટલો સમય જોઈએ છે?

 બે જણ સામે ફરિયાદ

અમદાવાદમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં દખલ કરનારી બે વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.