સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, કડક અમલ શરૂ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો આજથી જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે. ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આજે ગાંધીનગર સચિવાલય ગેટની બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળ્યા હતાં, જેમની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે સરકારે પરિપત્રને લીધે જે-તે વિભાગના વડાઓએ પોતાના કર્મચારીઓને અગાઉથી જ સૂચનાઓ મોકલી આપવામાં આવી હતી, એને લઈને મોટા ભાગના કર્મચારીઓ આજે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા 25મી ઓક્ટોબર સુધી ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે. જે અન્વયે શહેરના મહત્ત્વના સર્કલ, હાઇવે-રોડ પર પણ પોલીસ સઘન ચેકિંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.