અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદથી અનેક ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદને કારણે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ સાથે ગીર સોમનાથના સુત્રાપાડામાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ભારે વરસાદને કારણે અન્ય ગામોને જોડતો રસ્તો બંધ થયો છે. સુત્રાપાડામાં થયેલા ભારે વરસાદના લીધે ઉંબરી ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ ભારે વરસાદના લીધે સુત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાયું છે.
સુત્રાપાડામાં છેલ્લા સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં નવ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી સુત્રાપાડા અને કોડીનાર શહેરમાં જળબંબોળની સ્થિતિ છે. સ્થાનિકોની મદદ માટે NDRFની ટીમોને પણ ઉતારવામાં આવી છે. સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેના પર વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.
આ ઉપરાંત જૂનાગઢના વંથલીના થાણાપીપળી ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં એકથી બે કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ગામમાં કેડ સમા પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ સાત અને આઠ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.