અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને ચોમાસાની ગતિવિધિને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આઠ અને નવ ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યના અરવલ્લી, મહિસાગર, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં પણ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં પાંચ ઈંચ વરસાદ ખાબકી જતાં અહીં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં તથા સાંકળી જગ્યાઓમાં પાણી ભરાઈ જવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદના લીધે ડેમોમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે.