અમદાવાદ: ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસુ વિદાય લેવાનુ નામ જ નથી લઈ રહ્યુ. નવરાત્રિ દરમ્યાન ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. સોમવારે એટલે કે આજે પૂરા થતાં 24 કલાક દરમ્યાન દેવભૂમી દ્વારકાના ભાણવડમાં સૌથી વધારે 13 ઈંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 8 ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામનગરના જામજોધપુરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. તો આ તરફ જામકંડોરણામાં નવ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ભાણવડમાં નોંધાયો છે. તે સાથે જ રાજ્યમાં આ વર્ષે સરેરાશ વરસાદ 136.66 ટકા થયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 129%, કચ્છમાં 172.44%, ઉત્તર ગુજરાતમાં 106.53%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 124.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 144.99% વરસાદ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં હજુ બે દિવસ (30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજથી બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગત રાતથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા 2 ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી 2થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. જામનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 4થી 14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ ખેડૂતોના પાકને નુકસાન થતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સિંધણી ડેમ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું
કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફ્લો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા હર્ષદ, ગાંધવી, દેવળીયા સહિતના ગામોને સાવચેત કરાયા છે. એક ફૂટ ઓવરફ્લો થતા સતાપર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામડાઓ ટાપુમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યાત્રાધામ હર્ષદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી મોટુ નુકસાન પહોંચ્યું છે. ભાણવડ તાલુકાના સાઈદેવળીયા ગામ પાસે આવેલા વેરાળી નં. 2 ડેમ ઓવરફ્લો થતા સાઈદેવળીયા ગામ તથા ભાણવડ ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.
જૂનાગઢ અને કેશોદમાં બે ઇંચ
જૂનાગઢ અને કેશોદમાં રાતથી સવાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. દંધુસર ગામની ઉબેણ નદીમાં એક રિક્ષા અને બાઇક તણાતા ચાર વ્યક્તિ ફસાયા હતા. આથી ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે ટીમ પહોંચી હતી. ફારયબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન કરી ચારેયને બચાવી લીધા હતા. કુતિયાણાથી પસવારી જતા વાડી વિસ્તારમાં સાત લોકો ફસાયા હતા. જેને એનડીઆરએફની ટીમે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. તાલાલામાં વધુ ત્રણ ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ખાંભા પંથકમાં આખી રાત વરસાદ પડ્યો
ખાંભા પંથકમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે આખી રાત પણ વરસ્યો હતો. વરસાદના પગલે ખાંભાની ધતારવાડી નદીમાં આ વર્ષે બીજી વખત ઘોડાપુર આવ્યું હતું. આ ઉપરાંત નાનુડી નદી, પીપળવા રોડ પંપ હાઉસ નજીક આવેલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ ગામના નાના નાના ચેકડેમો અને તળાવો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા હતા. જેને પગલે ખેડૂતોમાં ખુશીની સાથે સાથે પાકને નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે.
અમરેલીનાં બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર
અમરેલી પંથકમાં પણ ગઈકાલથી મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ત્યારે મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતાં નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. આ સાથે જ બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું છે. બાબરા પંથકના ચમારડી, ચરખા, ઘૂઘરાલા સહિતના મોટાભાગનાં ગામડામાંઓમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ વરસી જતા જગતનો તાત નારાજ થયો છે. કારણ કે ખેડૂતોને મગફળી અને કપાસનો પાક બગડી જવાની ભીતિ સતાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અતિવૃષ્ટી તરફ આગળ વધી રહેલા ચોમાસાને પગલે ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસ અને મગફળીના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમ્યાન કુલ ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૪૩ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૬૫.૦૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૭.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૮.૨૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૮૭ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૦.૦૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૨.૩૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૩૦ સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિ માત્ર ૫૪.૮૯ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો.
રાજ્યમાં હાલમાં સરદાર સરોવર ડેમમાં ૨,૨૭,૬૧૪ કયુસેક, ઉકાઇમાં ૧,૦૯,૪૮૫ કયુસેક, ભાદર-રમાં ૧,૦૮,૩૧૦ કયુસેક તેમજ અન્ય ૧૯ જળાશયોમાં ૬૧,૩૭૯ થી ૧૦,૦૦૦ ક્યુસેક પાણીની આવક જ્યારે ૭૦ જળાશયોમાં ૯,૭૮૨ થી ૧,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.