ગુજરાતમાં ગરમી દિવસે-દિવસે વધી રહી છે, અને હવામાન વિભાગે હિટવેવને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. કચ્છમાં તીવ્ર હિટવેવ (Severe Heatwave) માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દીવ માટે યેલો એલર્ટ જાહેર થયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન 39°C નજીક પહોંચી ગયું છે, જેમાં અમદાવાદમાં 39.3°C અને ગાંધીનગરમાં 39.4°C નોંધાયું છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 39°Cથી નીચે નોંધાઈ રહ્યું છે, પરંતુ કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરે તાપમાન ઉંચી સપાટીએ પહોંચતાં લોકોને ગરમીનો મારો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં હલકો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાત્રિ તાપમાન પણ વધી શકે છે. હીટવેવના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક, ચક્કર, માથાનો દુખાવો, ઉલટી અને બેહોશી જેવી તકલીફો સર્જાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગો ધરાવતા લોકોને હિટવેવ વધુ અસર કરે છે. તડકામાં વધુ સમય પસાર કરનારા લોકો માટે પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15થી 17 માર્ચ દરમિયાન ગુજરાત, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તીવ્ર ગરમી રહેશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે પવન અને કરા પડી શકે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 16-17 માર્ચે વીજળી પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને ગરમીમાં સુરક્ષિત રહેવા માટે પુરતી તકેદારી રાખવાની સલાહ આપી છે.
