ગુજરાતમાં આજથી વધશે ગરમીનું જોર, તાપમાન 40 ડિગ્રી પાર જવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. પવનની દિશામાં ફેરફારને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, ડીસામાં 37.8 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી, અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી અને મહુવામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે ત્યારે હવે ગરમીમાં પણ ધીમે ધીમે વધારો નોંધાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક દિવસ સુધી રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર દેખાશે નહીં. જોકે, 24 કલાક પછી રાજ્યનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે છે. આનો અર્થ એ થયો કે રાજ્યનું તાપમાન ફરીથી 40 ડિગ્રીને પાર કરી શકે છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 20 ટકા જોવા મળ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી કચ્છથી વલસાડ સુધીના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે. ત્યારબાદ તાપમાનમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.