અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે શહેરમાં ગતરાતથી સુસવાટાભર્યા પવન ફૂંકાવાના શરૂ થયા હતા. એક બાજુ ધીમા પગલે ઠંડી વિદાય લઈ રહી છે. અને ઉનાળાની ગરમી જોર પકડી રહી છે. ત્યારે એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી. જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ગતરોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી તથા યલો એલર્ટ જાહેર કર્યું હતું. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છના અખાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ હતી. ગુજરાત રાજ્યના રહેવાસીઓને છેલ્લા બે દિવસથી ગરમીથી રાહત મળી છે તથા હજુ પણ આગામી 36થી 48 કલાક ગરમીનો પારો ઊંચકાવાની શક્યતાઓ નહિવત્ છે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થયું છે. જેથી દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ઝડપી ગતિએ પવનો ફુંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા ગુજરાતવાસીઓ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ ભુક્કા બોલાવતી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 32.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં 24 કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન દીવમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છના નલિયામાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં 13 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. ચાર માર્ચની રાત્રે નલિયાનું લઘુતમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરાનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
