ગાંધીનગરમાં 17 માર્ચ, 2025થી શરૂ થયેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે, 21 દિવસ બાદ સમેટાઈ ગઈ છે. સરકાર સાથે સકારાત્મક ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો, જેના પગલે રાજ્યના 33 જિલ્લાના જિલ્લા પંચાયત વિભાગના વર્ગ-3ના આરોગ્ય કર્મચારીઓ જેમાં એમ.પી.એચ.ડબલ્યુ. (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), એફ.એચ.ડબલ્યુ. (ફીમેલ હેલ્થ વર્કર), એફ.એચ.એસ. (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), એમ.પી.એચ.એસ. (મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર) તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા સુપરવાઈઝરોને તાત્કાલિક નોકરી પર હાજર થવા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય કર્મચારી મહાસંઘે તમામ કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા આદેશ આપ્યો છે. આ નિર્ણય રવિવારે (6 એપ્રિલ, 2025) ગાંધીનગર ખાતે મળેલી મહાસંઘની સંયુક્ત કારોબારી બેઠકમાં લેવાયો. આ બેઠકમાં 33 જિલ્લાના પ્રમુખો, મહામંત્રી અને મુખ્ય કન્વીનરે ભાગ લીધો હતો. બેઠકમાં સરકાર સાથે થયેલી ચર્ચાના આધારે હડતાળને ત્રણ મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો.
મહાસંઘે સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે, જે દરમિયાન તેમની માંગણીઓ અંગે સરકારી ઠરાવ (જી.આર.), નિર્ણય અથવા નિકાલની અપેક્ષા રાખવામાં આવી છે. જો આ સમયગાળામાં માંગણીઓ પૂરી નહીં થાય, તો મહાસંઘે ફરીથી હડતાળ શરૂ કરવાની ચીમકી આપી છે. આ માટે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક ફરીથી બોલાવવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયને કર્મચારીઓ અને સરકાર વચ્ચેના સંવાદના સુખદ પરિણામ તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ આગામી ત્રણ મહિના નિર્ણાયક રહેશે.
