ચિંતન શિબિરમાં હાર્દિક પટેલની ગેરહાજરીથી રાજકીય ગરમાવો

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હજી પણ પક્ષથી નારાજ છે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ત્રિદિવસીય ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી છે. આ ચિંતન શિબિરમાં ગુજરાતના 18 જેટલા નેતાઓને આમંત્રણ મળ્યું હતું, પણ આમંત્રણ હોવા છતાં હાર્દિક પટેલે કોંગ્રેસની ચિંતન શિબિરમાં જવાનું ટાળ્યું છે. આ પહેલાં  હાર્દિક પટેલે ટ્વિટર પરથી કાર્યકારી અધ્યક્ષનો ટેગ હટાવ્યો હતો.

હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનને પણ કોંગ્રેસે ગંભીર નોંધ લેવા સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે. રાહુલ ગાંધીએ પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું ટાળ્યું હતું. જેથી કોંગ્રેસે હાર્દિકને હાંકી કાઢવાનો નિર્ણય લઈ લીધો હોવાની સંભાવના છે.

બીજી બાજુ, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થાય એવી શક્યતા છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર મે સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજકીય આગેવાનો અને તમામની નજર છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક ભાજપમાં જોડાય એવી શક્યતા બળવત્તર છે, કેમ કે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની સતત અવગણના વધી છે, બીજું, કોંગ્રેસમાં OBC અને દલિત સમાજનું પ્રભુત્વ હોવાનો હાર્દિક પટેલનો મત છે.