ઇમર્જન્સી સિવાય શહેરની તમામ ખાનગી  હોસ્પિટલો બે-દિવસ બંધ

અમદાવાદઃ અમદાવાદની 400થી વધુ હોસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો શહેરમાં ફોર્મ C અને BU પરમિશન મામલે આજથી બે દિવસની હડતાળ પર ઊતર્યા છે. જેથી 14-15 મેએ અમદાવાદની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, OPD સેવાઓ અને પ્લાન કરેલી સર્જરીની કાર્યવાહી બંધ રહેશે. જોકે હોસ્પિટલોમાં ઇમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે.અમદાવાદમાં વલ્લભ સદન-આશ્રમ રોડથી ડોક્ટરો, સહિત હોસ્પિટલના કર્મચારીઓ અને નર્સિંગ સ્ટાફ એક વિશાળ રેલી યોજી ધરણાં પર બેઠા છે. આ ધરણાં-પ્રદર્શનમાં તેમણે રામધૂન બોલાવી ગુસ્તો વ્યક્ત કર્યો હતો. આ ડોક્ટરોના વિરોધ-પ્રદર્શનને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માગણીઓનો ઉકેલ ન આવતાં અંતે તેમણે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.1949થી 2021 સુધી, તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હોસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે, પરંતુ ઓક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માગ કરવાનું શરૂ કર્યું, જેને કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ઓક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ ‘C’ તરીકે ઓળખવામાં આવે છે.