અમદાવાદ– 25 જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ કરવાની બધી અડચણો સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે ત્યાં બીજીતરફ પદ્માવત ફિલ્મ રીલીઝને લઇને કરણી સેનાનો આક્રમક મિજાજ ફરી સામે આવ્યો છે. ગુજરાતમાં ફિલ્મ રીલીઝ નહીં થવા દેવાના ગુજરાત સરકાર, વિશ્વ હિન્દુ પરિષદના દાવાની સાથે હાર્દિક પટેલ પણ તેના સમર્થનમાં ઉતરી આવ્યાં છે.ગુજરાતના પોરબંદર આવી રહેલાં કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાળવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ ફિલ્મ રીલીઝ નહીં થવા દેવા અમે સંકલેપબદ્ધ છીએ.
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડીયાએ પદ્માવત રીલીઝ કરાશે તો ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમના સમર્થનમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ઉતરી આવ્યાં હતાં અને તોગડીયાની વાતને સમર્થન આપ્યું હતું. હાર્દિકે પત્રમાં જણાવ્યું છે કે હિન્દુ રાજપૂતસમાજની લાગણી દુભાવતી આ ફિલ્મ છે. ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. આપણો ઇતિહાસ ગૌરવવંતો છે માટે ઇતિહાસ સાથે મજાકક પોસાય તેમ નથી.
હાર્દિક પટેલે પદ્માવત ફિલ્મને ગુજરાતમાં રજૂ નહીં થવા દેવા અંગેસીએમ વિજય રુપાણીને પત્ર લખીને ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ ફરમાવવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોડીસાંજે ફિલ્મ નિર્માતા કંપની તરફથી કરણીસેનાને ફિલ્મ નિહાળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેનો કરણી સેનાએ સ્વીકાર કર્યો હતો. જોકે પત્રમાં તારીખ નહીં દર્શાવાતાં ફિલ્મ કંપનીની નિયત ઠીક ન હોવાનું જણાવતાં કરણીસેનાના અધ્યક્ષે આજે ફિલ્મ નિહાળવાનો ઇનકાર કરી દીધો છે.