બોટાદ: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને ગઈ કાલે રાત્રો દૂર કરી દેવામાં આવ્યાં છે. ગઈ કાલે સ્વામિનારાયણ સંતો દ્વારા ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કર્યા બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ ચિત્ર હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે કુંડળમાંથી પણ ફળાહાર આપતા હનુમાનજીની મૂર્તિ હટાવી લેવામાં આવી છે આ ભીંતચિત્રો હટાવી લેવામાં આવતાં હવે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મના સાધુ-સંતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે તો ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.
રાજ્યના CM સાથે મળેલી બેઠક બાદ ગઈ કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પત્રકાર પરિષદ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી. ગઈ કાલે રાત્રિ દરમિયાન આ ભીતચિંત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવવામાં આવ્યાં છે.
બીજી બાજુ લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આજે બેઠક મળી છે. સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટમાં મળ્યું છે. જેમાં દેશ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત અલગ અલગ ધાર્મિક જગ્યાના મહામંડલેશ્વરો મોટી સંખ્યામાં સંમેલનમાં હાજરી આપી છે. સાળંગપુર હનુમાનજી મૂર્તિ વિવાદનો અંત આવ્યો હોવા છતાં મહાસંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અન્ય ધર્મો વિશે માનસિકતા અને અપમાનજનક નિવેદનો અંગે વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં 20 ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો દ્વારા સાળંગપુર મુદ્દે માફી માગવા અંગે પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં જ્યોર્તિનાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષી ભારતીબાપુ, લલિત કિશોર દાસજી, ગંગા દાસજી, રોકડિયાનાથ બાપુ, શેરનાથ બાપુ, દુર્ગા દાસબાપુ, રામેશ્વર હરિયાણી બાપુ સહિતના મહામંડલેશ્વર અને સંતોની હાજરી છે. આ ઉપરાંત ટ્રસ્ટ, NGO,સં ગઠન અને જ્ઞાતિ આગેવાનો સહિત 2000થી વધુ લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.