હાલોલની અનોખી પહેલ: કૃષ્ણવડથી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

માર્ચ 2025 સુધીમાં ગુજરાત 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય ધરાવે છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો છે. હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડાકોરથી દ્વારકા સુધી પર્યાવરણ પ્રેમનો સંદેશો આપશે ‘કૃષ્ણવડ અભિયાન’

હાલોલ નગરપાલિકાએ આ વડવૃક્ષ યાત્રાની શરૂઆત 27 ઓગસ્ટ 2024ના રોજ નંદ મહોત્સવના દિવસે કૃષ્ણમય ભૂમિ ડાકોરથી કર્યો હતો. વૃક્ષની દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણનું બીડું ઝડપનારા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વધુમાં વધુ લોકોને કૃષ્ણવડ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. હિરલબેને મિશન કૃષ્ણવડના વિચારબીજ અંગે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત મને વૃક્ષની દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિને વિકસિત કરવાનો વિચાર આવ્યો. કૃષ્ણવડ એ ભારતીય પ્રજાતિ છે, જે ગુજરાતમાં માત્ર 15 સ્થાનો પર ઉપલબ્ધ છે. મેં મારા ખેતરમાં વાવેલા કૃષ્ણવડની ડાળીઓ કટિંગ કરીને હાલોલ રાણીપુરા ખાતે આવેલી ફોરેસ્ટ નર્સરીને આપી અને તેમણે કૃષ્ણવડની 200થી વધુ કલમો વિકસિત કરીને આ વડવૃક્ષ યાત્રાને વેગ આપ્યો. જયારે પ્રાદેશિક કમિશ્નર એસ.પી.ભગોરા, ફોરેસ્ટ વિભાગના DFO ડૉ. મીનલ જાની, RFO  નિધિ દવે તથા હાલોલ જંગલખાતાના ફોરેસ્ટર રોહિત મકવાણાના સહયોગથી આ અભિયાન શક્ય બન્યું છે.”

મિશન કૃષ્ણવડ: 157 નગરપાલિકાઓમાં દુર્લભ પ્રજાતિના છોડ વાવવામાં આવશે

આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રૅર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે. વડોદરા ઝોનની બધી જ નગરપાલિકમાં કૃષ્ણવડ રોપાઇ ચૂક્યા છે. તથા ગુજરાતના અન્ય 5 ઝોનના નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 40 કૃષ્ણવડ વાવવામાં આવ્યા છે. ડાકોરથી શરૂ થયેલી આ વડ વૃક્ષ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં વિરમશે.

કૃષ્ણવડની પસંદગી શા માટે કરવામાં આવી?

વડની ખાસિયત એ છે કે, તેમાં અનેક ઔષધિય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ચર્મ રોગ, દાંતના રોગ, પેટના રોગ, ડાયાબિટીસ વગેરેના નિવારણ માટે વડ ખૂબ જ ઉપયોગી છે. વડના પાંદડામાં પ્રોટીન, ફાઈબર, કૅલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલાં છે.